સૌરાષ્ટ્ર દક્ષિણમાં મેઘતાંડવ, ૧૦૦ ગામ સંપર્ક વિહોણા ૨૨ લોકોના મોત, મુખ્યમંત્રી રથયાત્રાની વ્યવસ્થામાં વ્યસ્ત!

સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા તાંડવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રને બાનમાં લીધું હોય એમ જળબંબાકાર થઇ ગયું છે. ચારે બાજુ પાણી જ પાણી. ગઈ કાલ ગુરુવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું હતું અને આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં ફરી ત્રણ ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. જૂનાગઢની જનતાની તરસ છીપાવતા વીલીંગ્ડન ડેમ પણ ઓવરફલો થવાથી જનતામાં ખુસીની લહેર સાથે ચિંતાની સોય પણ મનમાં ઘુસી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા
સૌરાષ્ટ્ર પંથકમાં મુશળધાર વરસાદના કારણે જનજીવન ઠપ થઇ જવા પામ્યું છે. સાંબેલાધાર વરસાદે લોકોનું ઘરેથી બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાય તેવી ભીતિ છે, અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. પરિસ્થિતિ વણસી રહી છે. કેટલાય ગામો સંપર્ક વિહોણા બન્યા છે. છેલા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદે તબાહી મચાવી છે. હજારો લોકો બેઘર બન્યા છે. અત્યાર સુંધી સરકારી આંકડા પ્રમાણે ૨૨ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
મુખ્યમંત્રી સામે રોષ
બીજી તરફ સરકારે પુર અને વરસાદ પીડિત લોકો અને ગામડા પર નજર રાખવા માટે સીએમ ડેશબોર્ડની રચના કરી હતી પરંતુ મુખ્યમંત્રી ખુદ રથયાત્રાની તૈયારી અને સમીક્ષમાં વ્યસ્ત છે. જેથી અસરગ્રસ્ત વિસ્તારોની પુરતી કાળજી નથી લેવાઈ રહી માત્ર મુખ્યમંત્રી જ નહિ પરંતુ રાજ્યના મંત્રી મંડળના કોઈ મંત્રીએ ખબર સુદ્ધાં ન લેતા સૌરાષ્ટ્ર તેમજ દક્ષીણ ગુજરાતની જનતામાં રોષનો માહોલ છે. મુખ્યમંત્રી ખુદ સૌરાષ્ટ્રથી આવે છે ત્યારે સૌરાષ્ટ્ર માં થયેલી વરસાદી તબાહી તરફ દુર્લક્ષ સેવીને રથયાત્રાની તૈયારી સમીક્ષા કરવી આવનારા સમયમાં ભારે પડી શકે એમ છે.
૧૦૦ જેટલા ગામો સંપર્ક વિહોણા અને ૨૨ મોત
સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં ચારેબાજુ જળબંબાકાર થી વીજપુરવઠો ખોરવાયો છે અનેક લોકો બે ઘર બન્યા છે તેમજ હજુપણ પુરની સ્થિતિ ગંભીર છે અને આવનાર દિવસોમાં વધુ વરસાદથી આ સ્થિતિ અતિ ગંભીર બનશે. લગભગ ૧૦૦ જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને ૨૨ જેટલા લોકોના મોત થયા છે.
રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ
ગોંડલના વેકરી ગામે માત્ર ૨ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડ્યો. બીજીતરફ અમરેલીમાં પણ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે અન એતેના પરિણામે ચારેબાજુ પાણી જ પાણી જ ની સ્થિતિ પેદા થઇ છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ અને પુરની ગંભીર સ્થિતિને જોતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનો ગુજરાત પ્રવાસ રદ કરવાની ફરજ પડી છે.