
સીઆર પાટીલ ની અધ્યક્ષતા વાળી ગુજરાત ભાજપમાં દિવસેને દિવસે અસંતોષ વધી રહ્યો છે. જેનું સૌથી મોટું કારણ કોંગ્રેસના આયાતી નેતાઓ છે. ભાજપ દ્વારા પાયાના કાર્યકરોની અવગણના કરીને કોંગ્રેસના આયાતી નેતાઓને છપ્પનભોગ પીરસવામાં આવી રહ્યા હોવાથી દિવસેને દિવસે આંતરિક અસંતોષ વધી રહ્યો છે. જે આગામી પેટા ચૂંટણીમાં ભાજપ ને જબરદસ્ત અસર કરી શકે છે. પહેલા આ અસંતોષ બહાર નોહતો આવતો પરંતુ હવે નેતાઓ કાર્યકર્તાઓ અને ધારાસભ્યો પણ ખુલીને અસંતોસ જાહેર કરી રહ્યા છે. ભાજપ પ્રમુખના આદેશની પણ અવગણના થવા લાગી હોય એવું દેખાઈ રહ્યું છે.

સીઆર પાટીલ ભાજપ અધ્યક્ષ બન્યા એ દિવસથી જ તેઓ કહી રહ્યા હતાં કે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં સમાવવામાં આવશે નહીં. ભાજપને જીતવા માટે કોંગ્રેસના નેતાઓની નહીં પણ ભાજપના કાર્યકરોની જ જરૂર છે. તોય પણ પાટીલના આ આદેશનો અનાદર કરીને તેમના આ નિવેદન બાદ પણ અસંખ્ય કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડવામાં આવ્યા હતા. નવાઈની વાત તો એ છે કે છેલ્લે કંટાળીને સીઆર પાટીલ દ્વારા કડક શબ્દોમાં હજુ બે દિવસ પહેલાં જ જાહેરમાં કહ્યું હતું કે હવે કોઈ કોંગ્રેસ નેતાને ભાજપમાં સમાવવામાં આવશે નહીં પરંતુ ગઈકાલે કરજણમાં કેટલાક કોંગ્રેસ નેતાઓને ભાજપ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

કોંગ્રેસ નેતાઓનો ભાજપ પ્રવેશ એ સ્પષ્ટ કરે છે સીઆર પાટીલના કોઈ પણ આદેશનું માન જળવાતું નથી. વાત એમ છે કે બે દિવસ પહેલાંજ સીઆર પાટીલ દ્વારા જાહેરમાં મીડિયામાં કહેવામાં આવ્યું હતું કે હવે કોઈપણ કોંગ્રેસ નેતાને ભાજપમાં લેવામાં આવશે નહીં પરંતુ ગઈ કાલે ભાજપ અધ્યક્ષના આ આદેશને ઘોળીને પી જવામાં આવ્યો હતો. વેમારના ચંદ્રકાન્ત પટેલ કરજણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની રેસમાં હતા જોકે તેમને ટિકિટ મળી ન હતી. કરજણ બેઠક પરથી કિરીટસિંહ જાડેજાને ટિકિટ મળતાં ચંદ્રકાન્ત પટેલે તેમના સમર્થકો સાથે કોંગ્રેસ છોડી હતી અને પ્રદીપસિંહના હાથે વેમાર ગામે સ્ટેજ ઉપર કેસરીયો ધારણ કર્યો હતો.

આઆમ જોઈએ તો પેટા ચૂંટણી સમયે કોંગ્રેસ માટે મોટું ભંગાણ કહી શકાય પરંતુ અહીંયા સવાલ એ છે કે ભાજપ અધ્યક્ષ બન્યા ત્યારથી સીઆર પાટીલ કહી રહ્યા છે કે કોઈ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પ્રવેશ આપવામાં નઈ આવે પરંતુ ભાજપ ના નેતાઓ દ્વારા ભાજપ અધ્યક્ષના આ આદેશને ઘોળીને પી જવામાં આવ્યો. મતલબ શું પાટીલ ભાઉ નું ભાજપમાં કશું ચાલતું નથી? કે પછી હાથીના દાંત ની જેમ દેખાડવાના અને ચાવવાના અલગ? એટલે કે માત્ર નીવેદન કરવા ખાતર કરવું કે કોઈ કોંગ્રેસ નેતાને લેવામાં આવશે નહીં પરંતુ લેવાના તો ખરાજ. શું સીઆર પાટીલ દ્વારા માત્ર કરવા ખાતર નિવેદન કરવામાં આવે છે કે પછી સચેમાં તેમનું પાર્ટીમાં કશું ચાલતું નથી? એ પણ એક સવાલ છે.

એક દિવસ પહેલાં જ ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર દ્વારા સરકારનું નાક દબાવવાનો પ્રયત્ન કરવામાં આ આવ્યો હતો. અને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપના નેતાઓ દ્વારા જ તેમને દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં હરાવવામાં આવ્યા હતા. જેમાં તેમણે સાંસદ સભ્યનું પણ નામ લીધું હતું. ભાજપ ધારાસભ્ય એ ભાજપ સાંસદ સભ્ય પર ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ની ચૂંટણીમાં હરાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. અને રાજીનામુ આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો અને ઘીના ઠામમાં ધી પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં પણ આંતરિક ઉઠાપઠકના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા દિનેશ શર્મા દ્વારા રાજીનામુ આપવામાં આવ્યું હતું તો હવે ભાજપ માં પણ આંતરિક અસંતોષ અને આંતરિક રાજકારણ ખુલીને સામે આવી રહ્યું છે. સંગઠન અને સરકાર વચ્ચે સબ સલામતની માત્ર પોકળ વાતો હોય એવું લાગી રહ્યું છે. ભાજપમાં કોંગ્રેસના આયાતી નેતાઓનો જમાવડો પણ એક ખેમો બનતો જાય છે. જણાવી દઈએ કે કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા કેટલાક નેતાઓ કેબિનેટ કક્ષાના મંત્રી છે તો કેટલાક નેતાઓ પર સરકાર અને સંગઠનના ચાર હાથ છે.